GPSSB GRAMSEVAK BHARTI 2026
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB), ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-૩ હેઠળ પશુધન નિરીક્ષક અને ગ્રામસેવક સંવર્ગની સીધી ભરતી માટે ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. સરકારી નોકરીની તૈયારી કરતા અને ખાસ કરીને ગ્રામીણ વિકાસ તથા પશુપાલન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટી તક છે.
આ જાહેરાત મુજબ, પશુધન નિરીક્ષક સંવર્ગની કુલ ૧૧૨ અને ગ્રામસેવક સંવર્ગની કુલ ૫૦૦ ખાલી જગ્યાઓ (કુલ ૬૧૨ જગ્યાઓ) પર ભરતી કરવામાં આવશે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓજસ (OJAS) ની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈને તારીખ ૧૬/૦૪/૨૦૨૬ થી ૦૭/૦૫/૨૦૨૬ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. સામાન્ય વર્ગના ઉમેદવારોએ તેમની પરીક્ષા ફી SBI E-Pay ના માધ્યમથી આ જ સમયગાળા દરમિયાન ભરવાની રહેશે.
ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે અરજી કરવા માટે છેલ્લા દિવસની રાહ ન જોતા, વહેલી તકે ઓનલાઇન અરજી પત્રકમાં પોતાની વિગતો ચોકસાઈથી ભરીને અરજી કન્ફર્મ કરી લેવી. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, કેટેગરી મુજબ જગ્યાઓ અને અન્ય વિગતવાર નિયમો માટે ઉમેદવારો મંડળની સત્તાવાર વેબસાઇટ (https://gpssb.gujarat.gov.in) અને ઓજસ વેબસાઇટ પર ઉપલબ્ધ વિગતવાર જાહેરાતનો અભ્યાસ કરી શકે છે.
